ક્યાં છે નવા લેખકો? પ્રશ્ન ઊભો છે. પ્રશ્નનો જવાબ નથી. લેખકોસર્જકો નિસ્તેજ મોંયે ને ખાલી હાથે ખડા છે. લેખકો પોતાની કંગાલ કૃત્તિઓનાં અવલોકનો ન લેવાય તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. અવલોકન નથી લેવાતાં એટલે પોતાની સામે કોઇ વ્યવસ્થિત કાવતરંુ થઇ રઉંાું હોય તેવી તેઓ બૂમો પાડે છે. પોતાની કૃતિને નબળી કહેનારો અવલોકનકાર કાં તો ‘વાડાનું ઢોર છે, કાં લેખકોનો તેજદ્વેષી છે, કંઇ નહીં તો તુંડમિજાજી ને ઘાતકી છે! આટલું, બસ, લેખકોનું આશ્વાસન. તેમને નથી ભાસતો એક ફક્ત પોતાનો દોષ. તેમને પોતાની કલમ પરિપક્વ થઇ ગઇ જણાય છે. તેમની ખૂબીઓ કોઇના ખ્યાલમાં વસતી નથી. આવો ખિજવાટ તેમની અભ્યાસવૃત્તિને આવરી બેસે છે. છૂપી અદાવતના અસુરો એમના મગજમાં ઊભા થાય છે. પોતાની કોઇ પણ રચનાને એ પાંચદસ સામાન્ય વાચકો પાસે વંચાવી અભિપ્રાય મેળવવાની રાહ જોતો નથી. એક કૃતિનું બે કે ત્રણ વાર પૂનર્લેખન કરવાનું એ જરૂરી ગણતો નથી. જગતસાહિત્યના ઉત્કૃષ્ટ ગ્રંથોને, કે એ ગ્રંથના થોડા થોડા ખંડોને, કેવળ હથોટી બેસાડવા માટે, ફક્ત ‘એક્સરસાઇઝ’ લેખે. એ ગુજરાતીમાં ઉતારી પછી ફાડી નાખવા તૈયાર નથી. પોતાનું લખેલું તદ્દન રદ્દી ને માલ વિનાનું છે, એવું એને મોંયે ચડીને કહેવામાં આવે છે. છતાં એ કોઇ પણ હિસાબે એક વાર, બસ, પુસ્તકરૂપ ધરે એવી કંગાલ ખ્વાએશને સંતોષવા માટે એ પ્રકાશકોને વિનવે છે. ખુશામદ કરે છે. લાચારી કરે છે. ને એમ કરી એક વાર કાગળ પર બીબાં પડાવીને પછી એ પોતાને લેખકોના મંડળમાંની એક મહત્ત્વની માન્ય થઇ ચૂકેલી વ્યક્તિ લેખે ખપાવે છે.
- ઝવેરચંદ મેઘાણી
No comments:
Post a Comment